બધા નુક્શાનો શારીરિક નથી હોતા અને દરેક ધર્મ સંપૂર્ણ રીતે નૈતિક નથી હોતો

(This essay was originally published in English on September 21, 2018. Read the English version here.)

લેખક : ઝીનોબીયા

ઉંમર : 27 વર્ષ

દેશ : ભારત

આજે સોશિયલ મીડિયા પર અન્ય બાબતોની સાથે-સાથે મહિલાઓને સશક્ત કરવા, પોતાનો નિર્ણય પોતે જ લેવા, વ્યક્તિની ગોપનીયતાના અને તેના શરીરના ઉલ્લંઘન વિષે અને સંમતિની ભૂમિકા વિષેના વિચારો અને અભિપ્રાયો સાથે ગુસ્સો વ્યક્ત થતો જોવા મળે છે.અમુક લોકો એવી વાતો કરે છે કે બળાત્કારીઓને ફાંસી દઈ દેવી જોઈએ છે તો અમુક લોકો જાતિય છેડછાડ અને મહિલાઓની છેડતી કરતા લોકોને સજા કરવા વિષેપણ વાતો કરી રહ્યાં છે જેથી, જમીની સ્તર પર યોગ્ય પગલાં લઈ શકાય અને આવા લોકો છોકરીઓને પરેશાન કરતા પહેલાં બે વાર વિચાર કરે.

પરંતુ, જ્યારે એક 7 વર્ષની અસહાય છોકરીનો બીજું કોઈ નહિં પણ તેમનું પોતાનું કુટુંબ અને સમાજ ગેરલાભ ઉઠાવે ત્યારે શું થાય છે? તેના માટે કોણ જવાબદારી લે છે?હું અહીં મારી પોતાની તકલીફો રજૂ કરવા નથી ઈચ્છતી પરંતુ, તમારી માહિતી માટે થોડી મૂળભૂત હકીકતો રજૂ કરવા ઈચ્છું છું. હું ભારતમાં મોટી થયેલી એક બોહરા મુસ્લિમ છું. જ્યારે વિશ્વ આપણને શાંત, શાંતિપ્રિય, વ્યવસાયમાં સમૃદ્ધ એવો સમાજ માને છે ત્યારે આપણે 6-7 વર્ષની નાનકડી છોકરીના અંગછેદનની એક ગુપ્ત પરંપરાને અનુસરીએ છીએ, જેને આપણે ખતના કહીએ છીએ.

આ પ્રથા પુરુષો માટે કેવી રીતે આરોગ્યની દ્રષ્ટિએ “જરૂરી” છે અને અંતે, તે તેમના સેક્સ જીવનમાં મદદરૂપ થાય છે તે વિષેની ઘણી દલીલો કરવામાં આવે છે પરંતુ, અધિકાંશ શિક્ષિત અને સંસ્કારી લોકો એ બાબત સાથે સહમત છે કે આ પ્રથા એક બૈરીના શરીરિક, માનસીક અને ભાવનાત્મક આરોગ્ય માટે નુક્શાનદાયક છે, ખાસ કરીને એટલા માટે કે તેના પર કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી અથવા અધિકાંશ આવી પ્રક્રિયાઓ બૅસમેન્ટોમાં એક અશિક્ષિત બૈરી દ્વારા કરવામાં આવે છે.આ પ્રથાને વિશ્વના અન્ય પ્રદેશોમાં આધિકારીક રીતે “ફીમેલ જેનિટલ મ્યૂટિલેશન (એફજીએમ)” કહેવામાં આવે છે અને તેને અસહાય છોકરીઓ પર થતા અપરાધ તરીકે માનવામાં આવે છે.

શા માટે? શું કારણ છે?

અમુક લોકો પવિત્રતા વિષે તો, અમુક લોકો પિતૃપ્રધાનતા વિષે વાત કરે છે. અમુક લોકો તેને એક આદેશરૂપ પરંપરા હોવાને કારણે માને છે અને જો એક મૌલા તેને ફરજિયાત કહે તો તેને નામંજૂર કરવાની હિંમત કોણ કરે? અમુક લોકો દબાણને વશ થઈને માને છે તો, અમુક લોકો બ્લૅકલિસ્ટ થવા અથવા વીરોધીનું લૅબલ લાગવાના ડરથી માને છે.જે લોકો ઉત્તર માગે છે તેમના માટે એવો પ્રચલિત જવાબ આપવામાં આવે છે કે તે એક બૈરીની જાતિય ઈચ્છાઓને નિયંત્રણમાં અથવા અંકુશમાં રાખવા માટે કરવામાં આવે છે. એ બાબત સાચી હોય શકે કેજ્યારે આપણે રણોમાં અને સમૂહ (ટ્રાઈબ્સ)માં રહેતા હતા અને લોકો હંમેશા અન્ય વ્યક્તિની બૈરીને ઉપાડી જવા માટે આતુર રહેતા હતા તેવા યુગમાં, કદાચ આ પ્રથા મદદરૂપ થઈ હશે.

આજે કોઈપણ કારણ હોય તો પણ, શું તેનો કોઈ અર્થ છે ખરો? તમારો ઉદ્દેશસારોહોય તો પણ,એક બૈરીની સંમતિ વિના તેણીના શરીર સાથે શું કરવું એ નક્કી કરવાનો તમને કોઈ અધિકાર નથી.તમે કોઈપણ હો, તમારો ઉદ્દેશ કોઈપણ હોય તો પણ, નુક્શાન થયું છે અને તમે કોઈ ગુનેગારથી ઓછા નથી.

પિડીતો માટે તેનો અર્થ શું છે?

આપણા દ્વારા અનુસરવામાં આવતી પ્રથા આક્ષેપ અનુસાર ‘ટાઈપ 1’ પ્રકારની છે અને તે આફ્રિકન સમુદાયો દ્વારા અનુસરવામાં આવતી ‘ટાઈપ 2’ અને ‘ટાઈપ 3’ થી (ગંભીરતાના સ્તરના આધારે) અલગ છે.વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશનની માન્યતા મુજબ, ટાઈપ 1 પ્રકારના એફજીસીને ક્લિટોરલ હૂડ અને/અથવા ક્લિટોરિસ કાપવા તરીકે વર્ણવવામાં આવ્યું છે, જેના ઘણાં શારીરિક અને માનસિક દુષ્પરિણામો જોવા મળે છે જેમ કે, ચેપ લાગવા, વધારે પડતો રક્તસ્ત્રાવ થવો, પેશાબ કરતી વખતે બળતરા થવી વિગેરે. ઘણી જુવાન છોકરીઓ વિશ્વાસઘાત, અસહાય અને મૂંઝવણ મહેસુસ કરતી હોવાના કારણે,આ પ્રથા માનસિક આરોગ્ય પર પણ વિપરિત અસર કરી શકે છે. તેમજ, આ આઘાતના પરિણામે, બાળક જાતિય સંબંધ બાંધવામાં પણ ડર અનુભવી શકે છે અને તેમનામાં સમાજના સભ્યો પ્રત્યે અવિશ્વાસનું નિર્માણ પણ થઈ શકે છે.

પરંતુ, હજારો બૈરીઓએ આ પ્રથાને અનુસરી છે અને દાવો કરી રહી છે કે તેમને કોઈ જાતિય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો નથી?

જે રીતે અધિકાંશ લોકો તેમના બેડરૂમમાં શું થાય છે તે વિષે અન્ય લોકોને વાત કરતા નથી, તેમ એફજીએમના સર્વાઈવરો પણ તેમની સેક્સ લાઈફ વિષે જાહેરમાં વાત કરતા નથી. તેમાંની ઘણી બૈરીઓ પીડાથી ચીસો પાડતી હોય છે અથવા “બેડરૂમમાં”એક આરોગ્યપ્રદ જીવન જીવી શકતી નથી.તેમાંની ઘણી બૈરીઓ ડૉક્ટરો, સેક્સોલોજિસ્ટ્સ, કાઉન્સેલર્સ અને થેરૅપિસ્ટ્સની નિયમિત દરદીઓ હોય છે.હાં, તેઓ ગર્ભવતિ થવાનું (જે આજે મરદ સાથે અથવા મરદ વિના કરવું વધારે મૂશ્કેલ નથી) મેનેજ કરી લે છે પરંતુ, શું એ પ્રક્રિયા પીડા મુક્ત છે? નહીં.

બધા લોકો ડિવોર્સનો દર વધવા વિષે વાતો કરે છે પરંતુ, આ દર શા માટે વધી રહ્યો છે તે કોઈ સમજતું નથી. તેઓ એ જોતા નથી કે બૈરીઓ પર તેમના ઉછેર દરમિયાન જ ઘણાં બધા નિયંત્રણો લાદવામાં આવે છે. મરદ હોય કે બૈરી, તેને સંબંધી બધી બાબતો પહેલાંથી જ નક્કી કરેલી હોય છે, આ એવું નથી લાગી રહ્યું કે આપણે એવા સમાજમાં મોટા થઈ રહ્યાં છીએ જ્યાં નેતાઓ અથવા સ્વતંત્ર નિર્ણયકર્તાઓને ઉછેરવામાં આવી રહ્યાં હોય. આપણે બ્રેઈનવૉશ કરેલા શિષ્યોના એક ટોળાં જેવા છીએ અને હાલનાં, #metoo ની ક્રાન્તિને કારણે બૈરીઓએ તેમનો અવાજ ઉઠાવવાની એક શરૂઆત કરી છે.

મારી સ્ટોરી

હાં, મારા પર પણ ‘ખતના’ પ્રક્રિયા કરવામાં આવી હતી. મને બધું તો યાદ નથી પરંતુ, અમુક બાબતો યાદ છે. મને “કોઈ આન્ટી” ને મળવા લઈ જવામાં આવી હતી અને મને યાદ છે કે ત્યારે મને કોઈ સારી લાગણી નહોતી થતી પરંતુ, આપણને જેમ કહેવામાં આવે તેમ આપણે કરીએ છીએ. અમે કલકત્તાના તેના અંધકારમય ઘરમાં ગયા અને તેણીએ મને ભારતીય શૈલીના શૌચાલય પર પહોળા પગ કરીને ઊભા રહેવા માટે કહ્યું અને મને લોહી નીચે પડતું દેખાયું. બસ મને આટલું જ યાદ છે.

મને બરાબર યાદ છે કે ત્યારપછી અઠવાડિયા સુધી મને પેશાબ કરવામાં પીડા થતી હતી. આ ચર્ચા રાત્રિભોજનની ચર્ચા જેવી ઔપચારિક ના હોવાથી, ત્યારપછી તે વિષે ક્યારેય વાત કરવામાં આવી નહિં. 16 વર્ષની ઉંમરે, જીન સૅસનની બૂક – પ્રિંસેસ દ્વારા મને આ ‘મુસ્લિમ પ્રથા’ વિષે ખબર પડી. સાઉદી અરૅબિયામાં બૈરીઓ સાથે કરવામાં આવતી ભયાનક બાબતોની સાથે-સાથે આ પ્રથાનું વર્ણન કરવામાં આવ્યુ હતું જેણે મારી યાદ તાજા કરી દીધી હતી.

પહેલાં તો હું ડરી અને ભયભીત થઈ ગઈ અને મને સમજાતું નહોતું કે આ માહિતીનું શું કરવું.મને એ બાબતસમજાઈ નહિં કે શા માટે કોઈ મારી સાથે આવું ભયાનક કૃત્ય કરે? તેનો ઉદ્દેશ શું હતો? શું કોઈ ધાર્મિક કારણ હતું? શું કોઈ તબીબી કારણ હતું? ધીમે-ધીમે હું મારી ઉંમરના અન્ય લોકોને તે વિષે પૂછવા લાગી.ઈન્ટરનેટ મારી મદદે આવ્યું અને મેં આ ‘જંગલી’ પ્રથાને વધારે સમજવાનું શરૂ કર્યું કે કેવી રીતે તે આપણા પિતૃપ્રધાન દુનિયાની એક બીજીસાઈડઈફેક્ટ છે જ્યાં કોઈપણ મરદ એ નક્કી કરી લે છે કે બૈરીઓએ કેવી રીતે જીવવું અને તેમના માટે શું યોગ્ય છે.

મને એ બાબત સમજાઈ નહીં કે કેમ એક માતા-પિતા તેમના બાળકો સાથે આવું થવા દે છે. જ્યારે તમારી દીકરી નિર્દોષતાની ચરમસીમા પર હોય અને ફક્ત તમારો નિસ્વાર્થ પ્રેમ ઈચ્છતી હોય ત્યારે, તમે તેણી સાથે વિશ્વાસઘાત કરો છો અને અંતે તમે તેણીને એવા રાક્ષસને સોંપી દો છો જે તેણી સાથે આવું કૃત્ય કરે છે?

તમારો ધર્મ તમને તેણીના શરીર પર અંગછેદન કરવાનું કહે છે અને તમને તેમાં કંઈ ખોટું નથી લાગતુ?અને તેના કારણે ઉત્પન્ન થતા શારીરિક, માનસિક અને ભાવનાત્મક પ્રત્યાઘાતોનું શું? જીવનભર તેણીએ આવી પીડાનો સામનો કરવો પડે છે. અને જો તમને ખરેખર આ બાબત ખોટી ના લાગતી હોય તો પછી શું કામતમે તેને આમ ગુપ્ત રાખો છો? શા માટે તેખાનગી રીતેકરવામાં આવે છે? તેના વિષે બધાને વાત કરો, તમે જેમ મિસાક ઉજવો છો તેમ તેની પણ ઉજવણી કરો? ફક્ત મિસાકની ઉજવણી જ શા માટે કરો છો? ખરેખર, કેટલાક અપવાદરૂપ લોકો પણ હોય છે. મારૂં સારૂં ઈચ્છતા ઘણાં લોકો મને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તેમાં મારો કોઈ દોષ નથી અને મારે એ બાબત વિષે ચિંતા કરવી જોઈએ નહીં અને મારો ઉત્તર હોય છે કે “હાં, હું જાણું છું કે મારો કોઈ દોષ નથી અને તેમ છતાં, મારે જ તેની કિંમત ચૂકવવી પડે છે”.

સૌથી દુઃખદ બાબત એ છે કે ઘણી બધી એવી છોકરીઓ છે જેને આજે પણ ખબર નથી અથવા યાદ નથી કે તેમની સાથે પણ આવું બન્યું છે. તેઓ એવા ખ્યાલ હેઠળ જીવે છે કે સેક્સ એ ખરાબ અને પીડાદાયક બાબત છે અને કદાચ તેમનામાં જ કોઈ સમસ્યા છે. અધિકાંશ રીતે આપણને આવું જ શિક્ષણ આપવામાં આવે છે. હું સહિયોની ખૂબ જ આભારી છું કે તેમણે બૈરીઓ માટે આવું એક અદભૂત પ્લૅટફોર્મ ઊભું કર્યું જ્યાં તેઓ તેમની સ્ટોરી રજૂ કરી શકે છે, સહાનુભૂતિ મેળવી શકે છે અને મારા જેવી છોકરીઓને કહી શકે કે હું એક જ એવી છોકરી નથી જેની સાથે આવું બન્યું છે અને મારે મને પોતાને એક પિડીત માનવીજોઈએ નહિં. સ્ટોરીટેલિંગ દ્વારા બૈરીઓને સશક્ત કરવાની આ બાબત, આપણી સંસ્કૃતિનો એક ગૌરવશીલ ભાગ હોય તેમ લાગે છે, જેને સહિયો આગળ વધારી રહ્યું છે.