ડેટ્રોઈટના ડૉક્ટરની ગિરફ્તારી, ખતના વિષે વાતચીત કરવા માટેની એક તક છે

(આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 14 મે 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. Read the English version here.)

લેખક: અનામી 

ઉંમર : 33

દેશ : પુણે, ભારત

મારા પર ‘ખતના’ની પ્રક્રિયા કરવામાં આવી હોવાનું મને સ્પષ્ટ રીતે યાદ હોવા છતાં મેં મિસાક લીધા પછી, દાઉદી બોહરા સમાજમાં અપનાવવામાં આવતી આ પ્રથા વિષે મેં પ્રશ્ન કરવાની શરૂઆત કરી. આ પ્રથા હંમેશા ખોટી લાગતી હતી પરંતુ, જો મારી માં, બહેન અને સમાજના લગભગ બધા જ લોકો આ પ્રથાને અપનાવતા હોય ત્યારે હું કેવી રીતે પ્રશ્ન ઉઠાવી શકું?

હું -મસ્જિદમાં જતી, ઉપવાસ કરતી અને મારા પાસે જેવી અપેક્ષા રાખવામાં આવે તે બધું જ કરતી એક નાની આજ્ઞાકારી બોહરા દીકરી હતી.મિસાક લીધા પછી, એક બોહરા બૈરા તરીકે મારા પરની કઠોર મર્યાદાઓમાં વધારો થવા લાગ્યો. ‘ખતના’ વિષે જાણવાની મારી ઉત્સુક્તાને કારણે હું તે વિષેની માહિતી શોધવા લાગી. પરંતુ પ્રામાણિક્તાથી કહું તો ગુગલમાં શું ટાઈપ કરવું તે પણ મને ખબર નહોતી. અંતે ગમે તેમ કરી જ્યારે મેં તે માહિતી શોધી ત્યારે, આફ્રિકામાં થતાં બૈરાઓના જેનિટલ મ્યુટિલેશનના લોહીલુહાણ ફોટાઓથી મારા કૉમ્પ્યુટરની સ્ક્રીન ભરાઈ ગઈ પરંતુ, બોહરા સમાજમાં આ પ્રથા અપનાવવામાં આવી રહી છે તે વિષે બહુ જ થોડી માહિતી હતી અથવા તો તેવી માહિતી ઉપલબ્ધ જ નહોતી. સ્પષ્ટ છે કે બોહરા સમાજમાં આ બાબત વિષે વાત કરવાની મનાઈ હતી પરંતુ, મારી કૉલેજની એક સહિ હતી જે મારી ઉંમરની બોહરા દીકરી હતી અને મનેતેના પર વિશ્વાસ હતો. તેણીએ કહ્યું કે “મને લાગે છે કે જ્યારે આપણે મોટા થશું ત્યારે આપણને કોઈ સમસ્યા આવી શકે છે અને કદાચ આપણે ક્યારેય સેક્સનો આનંદ નહિં લઈ શકીએ.” એ તેણીના જ્ઞાનની મર્યાદા હતી અને તેણી પણ મારા જેટલી જ કનફ્યુઝ હતી. મારા ગુસ્સામાં વધારો થઈ રહ્યો હતો કારણ કેસમાજના ઘણા નિયમો ખાસ કરીને, બૈરાઓ માટેના નિયમો લોજિક વિનાના, જૂનવાણી અને એકદમ બિનજરૂરી હતા અને તે બધામાં ‘ખતના’ પ્રથા સૌથી વધુ ક્રૂર હતી.

મારા પોતાના અનુભવ કરતા, મારી મોટી બહેનની દીકરી જ્યારે સાત વર્ષ (જે ઉંમરે ‘ખતના’ની પ્રક્રિયા કરવામાં આવે છે)ની થઈ તે સમય મારા માટે ખૂબ જ કઠીન હતો. એ બાબત સ્પષ્ટ હતી કે મારી બહેન અને માં બન્ને આ પરંપરાને ચાલુ રાખવાની યોજના કરી રહ્યાં હતા. મારી માસુમ ભત્રીજીને ડરતી જોઈહું એકદમ અસહાય અને નિરાશા મેહસુસ કરી રહી હતી. અંગને કાપ્યાની પછીની રાત્રીએ તેણીને પીડામાં જોઈને મને ખૂબ જ દુઃખ થયું. આ ક્રૂર પ્રથાની આસ્થા ધાર્મિક અને સંસ્કૃતિક રીતે એટલી બધી ઊંડે સુધી છે કે તેને ઉખાડી ફેંકવી ખૂબ જ મૂશ્કેલ છે. જો કોઈ બદલાવ આવવો જોઈએ તો તે સમાજની અંદરથી જ આવવો જોઈએ. પરંતુ, જ્યારે કોઈ એ વિષે બોલવા જ તૈયાર ના હોય તો, કેવી રીતે બદલાવ આવી શકે?

અમેરિકામાં નાની દીકરીઓ પર ‘ખતના’ પ્રક્રિયા કરતા ત્રણ ડૉક્ટરોની ગિરફ્તારીના સમચાર ફેલાઈ રહ્યાં હોય, આપણા માટે એ ખૂબ જ અગત્યનું અને મહત્વપૂર્ણ બની જાય છે કે આપણે સમાજની અંદર તે વિષે એકબીજા સાથે વાત કરીએ. મને ખાતરી છે કે આપણા સમાજની અંદર એક પણ બૈરી એવી નહિં હોય જેણે ક્યારેય આ પ્રથા સામે પ્રશ્ન ઉઠાવ્યો ના હોય. અંતે, કેવી રીતે કોઈ માં ઈચ્છાપૂર્વક પોતાની દીકરીને આવી પીડા સહન કરવા દે? મોઢું ફેરવી લઈ, મિશિગનમાં જે કંઈ થયું તેનાથી આપણે કંઈ લેવા-દેવા નથી એવું માનવાના બદલે, આપણે તે વિષે વાત કરી અને પ્રશ્ન ઉઠાવી, તેનો એક તક તરીકે ઉપયોગ કરવો જરૂરી છે.

આ સમાજમાં હું મોટી થઈ હોવાથી, હું આ સમસ્યાના દરેક પાસાઓને સારી રીતે સમજું છું, કોઈપણ બોહરા આ બાબતમાં વાત કરવા ઈચ્છતા નથી કારણ કે તે ગુપ્ત અંગો અને બૈરીઓના જાતીય અંગોવિષેની વાત છે અને સેક્સ વિષે વાત કરવાનીમનાઈ છે. પરંતુ, કુટુંબીજનો અને મિત્રોના નાના-નાના સમૂહોમાં સાથે મળી આપણે આ જૂનવાણી પ્રથાને ફરી તપાસવી જરૂરી છે. હવે સહિયો જેવી નોન-પ્રોફિટ સંસ્થાઓ ઉપલબ્ધ છે, જે સમાજના લોકોને માહિતગાર અને શિક્ષિત કરવા વચનબદ્ધ છે. એવા ઘણા વૈજ્ઞાનિક ડૅટા ઉપલબ્ધ છે જે સાબિત કરે છે કે આ પ્રથા અપનાવાથી કોઈપણ પ્રકારનો લાભ થતો નથી. આપણાંમાથી જે લોકો ઈચ્છતા હોય તેમણે, મદરસા અને કૉલેજો, અન્ય સામાજીક સંસ્થાઓ અથવા પીટિશન પર સહી કરવા દ્વારા આપણા અનુભવોને શેર કરવાના માર્ગ શોધવા જરૂરી છે. એવી વ્યવસ્થા સામે આપણે આપણો અવાજ બુલંદ કરવો જરૂરી છે, જે સમાજના લોકો માટે ઘાતક હોય અને ‘ખતના’ જેવી ક્રૂર પ્રથા સમાજના લોકો માટે લાભદાયક છે તેવું બ્રેનવૉશ કરે.

પૂરા વિશ્વમાં મારી ઘણી એવીસહિયો છે જેમને નાની-નાની દીકરીઓ છે અથવા તો નજીકના ભવિષ્યમાં તેમને ત્યાં નાના બચ્ચાઓ જન્મ લેશે. અવશ્ય તેઓ તેમની દીકરીઓને પ્રેમ કરે છે અને તેમને આવી ક્રૂરતાનો ભોગ બનવા દેવાનું પસંદ નહિં કરે પરંતુ, રિતરીવાજનું પાલન કરવાની તલવાર માથા પર લટકી રહી હોવાથી, તેની વિરૂદ્ધ ઉભા રહેવાની તાકત બહુ ઓછા લોકોમાં છે. સ્વતંત્ર રીતે વિચાર કરવાનો આપણો અધિકાર છીનવી લેવામાં આવી રહ્યો છે અને આપણે આપણા ધાર્મિક આગેવાનોને પ્રશ્ન કરવાની હિંમત કરતા નથી.પ્રત્યેક દિવસે, વિશ્વભરમાં અનેક દીકરીઓ આ પીડામાંથી પસાર થાય છે અને હંમેશા માટે તેમના જીવનમાં અસરો છોડી જાય છે.સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે અને આવી પ્રથા સામે આપણે આપણો અવાજ બુલંદ કરવો જરૂરી છે તેમજ હવે, આ પ્રથાને બંધ કરવા આપણે આપણા ધાર્મિક આગેવાનો સામે માંગ કરવી જરૂરી છે.