એક બોહરા બૈરી દ્વારા સૈયદના માટે એક પત્ર

આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 12 મે 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. Read the English version here.

લેખક: અનામી

રહેવાસી દેશ : અમેરિકા

 

પ્રતિ, સૈયદના મુફદ્દલ સૈફુદિન,

દરેક પરિસ્થિતિમાં અમે તમારી સાથે રહ્યાં, કોઈપણ પ્રશ્નો કર્યા વિના તમે કહ્યું તે માન્યું અને તમે કહ્યું તેવા કપડા પહેર્યા. જ્યારે તમે અમારા 53માં દાઈ બન્યા ત્યારે 53 નંબરને અપનાવવા અમે તમારા માનમાં અમે અમારી લાઈસન્સ પ્લેટો અને ફોન નંબંરોમાં બદલાવ કર્યા. અમારી સુખ-દુઃખની ક્ષણોમાં અમે તમારી રઝા લેવા આવ્યાં કે અમે અમારા પ્રિયજનને દફનાવીએ, અમે લગ્ન કરીએ કે અન્ય દેશમાં જઈએ વિગેરે. તમારા અને સમાજના ફાયદા માટે દાઉદિ બોહરા ટેક્સ રૂપે અમે અમારૂં ધન ખર્ચ કર્યું. અમે અમારી દિવાલોમાં તમારા ફોટા લગાવ્યાં. તમારા ઉપદેશો સાંભળવા અમે ટેક્સાસ, નાઈરોબી અને મુંબઈ જેવા સ્થળો સુધી મુસાફરી કરી. અમે તમને અને તમારા માટે દુવાઓ કરી. આ બધુ અમે સમાજના નામે અને આપણા ઇતિહાસ પ્રત્યે લાગણીના નામે કર્યું.અમે તમારી ભલમનસાઈ અને જ્ઞાન પર વિશ્વાસ કર્યો. અમે વિશ્વાસ કર્યો કે જ્યારે અમેતમને મદદ માટે બોલાવશું ત્યારે તમે આવશો.

ગયા વર્ષે સૈયદના તેહર સૈફુદિનની પુણ્યતિથિ – એ દિવસ, જ્યારે તમને ખબર હતી કે આખું વિશ્વ તમને જોઈ રહ્યું હતુ – તે દિવસે તમે “આપણી આસ્થાને દ્રઢ રાખવા અને અડગ રહેવા” વિષે કહ્યું હતુ. “મોટા સાર્વભૌમ રાજ્યો (દા.ત. અમેરિકા) જે કંઈ કહે છે તે જો આપણી આસ્થામાં કોઈ બદલાવ લાવે તો પણ આપણે તેને સમજવા તૈયાર નથી. બસ, પ્રથાઅપનાવામાં આવવી જોઈએ. જો તે મરદનીપ્રથા હોય તો તે સાચી અને ખુલ્લેઆમ થઈ શકે છે. પરંતુ, એ પ્રથા બૈરાઓની હોય તો તે છૂપી રીતે થવી જોઈએ, પરંતુ કોઈપણ પરિસ્થિતિમાં તે પ્રથા આપનાવવામાં આવવી જોઈએ. કૃપા કરી, સમજો કે હું કઈ બાબત વિષે વાત કરવાનો પ્રયત્ન કરી રહી છું.”

તમે કઈ બાબત વિષે વાત કરતા હતા તે અમે બધાસમજી ગયા હતા. તમે ખતના વિષે બોલી રહ્યાં હતા, દુનિયા આખી જેની નિંદા કરે છે તે એક એવી પ્રથા છે જેમાં કોઈ વ્યક્તિ દીકરીના ક્લિટોરિસના ભાગને કાપે છે. “મોટા સાર્વભૌમ રાજ્યો” (વાંચો: અમેરિકાના કાયદાઓ) નું શું કહેવું છે તેની પરવા કર્યા વિના તમે અમને અમારી યુવાન દીકરીઓ પર ખતના પ્રક્રિયાનો અમલ કરવાનું કહ્યું. એક મહિના પછી અમેરિકા સ્થિત જમાતોએ અને સમાજના સભ્યોએ કાયદાઓને અનુસરવો જોઈએ અને અમેરિકામાં ખતનાની પ્રથા અપનાવી જોઈએ નહિં એવા પત્રો પ્રકાશિત કર્યા. આ પત્રોમાં એમ નહોતુ કહેવામાં આવ્યું કે સ્વાભાવિક રીતે ખતના એક ખોટી પ્રથા છેપરંતુ, અન્ય કોઈ સ્થળે જઈ આ પ્રક્રિયા કરવા છૂપી રીતે તમે અમને પ્રોત્સાહિત કરતા હતા. અમને સ્પષ્ટ રીતે આ વાત સમજમાં આવી નહી – કેમ આવે? પરંતુ અમે અમારા માથા નીચે ઝુકાવી રાખ્યા. અમે આ પ્રથાને સમજતા નથી અથવા તેની સાથે સહમત નથી પરંતુ, અમે તમારા પર વિશ્વાસ રાખ્યો.

ખતના વૈશ્વિક મુદ્દો બની ગયો છે, ધી ન્યૂયોર્ક ટાઈમ્સ, બી.બી.સી., અલ જઝીરા, યુ.કે. પાર્લામેન્ટ -દાઉદિ બોહરા સમાજને આ ધૃણાસ્પદ કાર્ય સાથે જોડી રહ્યાં છે, આ પ્રક્રિયાની સાચી હકીકતોના સમાચારને કારણે આપણા બૈરાઓની નિંદા થઈ અને કલંકિત થઈ છે.આ પક્રિયાને પ્રોત્સાહન આપી, તમે યુવાન બાળકો સામે હિંસા કરવાની મંજૂરી આપી છે.

અને આજે એપ્રિલ 2017માં, ડૉ. જુમાના નગરવાલાએ એક હીલર અને ડૉક્ટકર તરીકેની તેણીની ફરજનો ખુલ્લેઆમ અનાદર કરી ગુનો કર્યો. પંરતુ, આપણે તેનો પૂરો દોષ ખાલી ડૉ. જુમાના નગરવાલાને જ આપી શકીએ નહિં. આ પ્રક્રિયા કરવાનો વિચાર તેણીનો નહોતો. તેણીએ આ પ્રક્રિયા તમારા માટે, તમારા નામ પર અને તમારી સૂચના હેઠળ કરી હતી. તારીખ 26 એપ્રિલ 2017ના રોજ, એક ફેડરલ જૂરીએ ડૉ. નગરવાલા, ફખરુદ્દિન અત્તર અને ફરિદા અત્તર પર ગુનો દાખલ કર્યો. તમારા સમર્થકો હવે મૂશ્કેલીમાં છે અને તમે શું કર્યું? હાથ ઉપર કરી દીધા. તમે “સમજવા તૈયાર નથી” કે “મોટા સાર્વભૌમ રાજ્યો” શુ કહે છે એવી તમારી ઘોષણાના એક વર્ષ પછી, તમે ઝડપથી અમેરિકન લો એન્ફોર્સમેન્ટ સાથે સારા સંબંધ બનાવવાના કાર્યમાં લાગી ગયા. તમે એક એવું નિવેદન જારી કર્યું કે ડૉ. નગરવાલાએ અમેરિકાના કાયદાઓને ના અનુસર્યા તે એક “દુર્ભાગ્યપૂર્ણ” બાબત છે અને દાઉદિ બોહરા સ્થાનિક, રાજ્ય અથવા ફેડરલના કાયદાઓ તોડવાનું સમર્થન કરતા નથી.

“અડગ રહેવા” માટે આટલું બધુ? ડૉ. નગરવાલાની બલિ આપીને તમે જામીન પર બહાર આવી ગયા.

તેથી, હવે અમે સમજી ગયા છીએ કે અમે કેટલું પણ આપીએ, કેટલી પણ દુવા અને પાલન કરીએ તેનો કોઈ મતલબ જ નથી. અમે જાણીએ છીએ કે અમે તમારી પાસે આવીએ, તમે ઈચ્છો તેવા કપડા પહેરીએ, તમે ઈચ્છો તેમ બોલીએ, તમે ઈચ્છો તેમ કરીએ તો પણ, જ્યારે અમારે તમારી જરૂર હશે ત્યારે તમે આવશો નહિં. તમે તમારા કર્મોની જવાબદારી લેશો નહિં. તમે તમારા સમર્થકોને સાથ આપશો નહિં.

હું જમાતમાં જવાનું ચાલુ રાખીશ અને મારી સાથી બોહરા બૈરાઓ સાથે દુવા કરીશ. હવે હું આમ ફક્ત મારા કુટુંબની ખુશી માટે અને તેનાથી તેમને શાંતી મળે તે માટે અને અલ્લાહ માટે કરું છું, જે આપણા બધા કર્મોને જોવે છે અને સૈયદના, અલ્લાહ તમને પણ જોઈ રહ્યાં છે. પરંતુ, હવે મને તમારા જ્ઞાન અને શક્તિમાં બિલકુલ વિશ્વાસ નથી. તમારી ભલમનસાઈ અને કૃપાદ્રષ્ટિ પરથી મારો વિશ્વાસ ઉઠી ગયો છે. મારે શું પહેરવું જોઈએ, મારે મારા બાળકોને કેવું શિક્ષણ આપવું જોઈએ અને મારે કેવી રીતે મારી જીંદગી જીવવી જોઈએ તે વિષેના તમારા આદેશોને હવે હું સાભળીશ નહિં. ચાર બચ્ચાઓની માં, જે તમારી સૂચનાઓનું પાલન કરવાના કારણે જેલ ભોગવી રહી છે, તેવા તમારા સમર્થકની તમે કોઈ જવાબદારી લીધી નહિં. જ્યારે તેણીને તમારી સૌથી વધારે જરૂર હતી ત્યારે તમે તેને એકલી છોડી દીધી. આવું જ તમે મારી અને મારા કુટુંબ સાથે પણ કરશો. હું જાણું છું કે જ્યારે તકલીફ આવશે ત્યારે તમે મારો સાથ આપશો નહિં અને તેથી, હું પણ હવે તમારો સાથ આપીશ નહિં.