આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 04 એપ્રિલ 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. Read the English version here.
લેખક : અનામી
વર્તમાન રહેવાસી સ્થળ : અમેરિકા
જન્મ સ્થળ : ભારત
ઉંમર : 57
ભારતમાં 1966ના જુન મહિનાનો દિવસ હતો, હું સાત વર્ષની હતી અને મારી માં મને સમાચાર પત્રની એક સ્ટોરી વાંચી સંભળાવી રહી હતી. સ્ટોરી વાંચતા-વાંચતા આકસ્મિક રીતે જ તેણીએ આવતી સાંજે મારી દાદી સાથે “R” આન્ટીના ઘરે જવાની વાત કરી. મારી માં અને દાદી સાથે ક્યાંક બહાર જવા અને ત્યાં જવા કારમાં બેસવા માટે હું ઉત્સૂક હતી. જિજ્ઞાસાપૂર્વક મેં મારી માંને પૂછ્યું કે શા માટે આપણે “R” આન્ટીના ઘરે જઈ રહ્યાં છીએ, તેણીએ જવાબ આપ્યો કે એક મહત્વપૂર્ણ કામ કરવું જરૂરી હોવાથી આપણે ત્યાં જઈએ છીએ. ત્યાં જતી વખતે કારમાં મેં મારી માં અને દાદીને એવી વાતચીત કરતા સાંભળ્યા કે જો “R” આન્ટીના ઘરે તેમને પાણી આપવામાં આવે તો તે સ્વીકારવું નહિં કારણ કે, તેણી જે કાર્ય કરે છે તેને ખરાબ માનવામાં આવે છે. જાણવા આતુર મનને કારણે મેં મારી માંને મને એ બાબત સમજાવવા માટે ક્યું પરંતુ, તેણીએ મને “આ બાબતને સમજવા માટે તું હજી ઘણી નાની છે” એમ કહી ચૂપ રહેવા કહ્યું.
“R” આન્ટીના ઘરે પહોંચતા અમને ઉપરના માળે એક મોટા હૉલમાં બેસાડવામાં આવ્યા. થોડી મિનીટો બાદ, તેણીએ અમારી સાથે બેસીને થોડી વાત કરી. ત્યારબાદ, તેણી અન્ય એક ઓરડામાં ગઈ અને એક સફેદ ચાદર લઈને પાછી આવી જેને તેણીએ જમીન પર બીછાવી. તેણીને આમ કરતા હું મૂંઝવણ ભરી નજરે તેની સામે જોતી રહી. ત્યારબાદ, તેણીએ મને નીચે આવી ચાદર પર સૂઈને આંખો બંધ કરી દેવા કહ્યું અને મેં તેણીના કહેવા પ્રમાણે કર્યું. તેણીએ મને અન્ય એક ચાદર ઓઢાડી અને મારી પેન્ટી નીચે સરકાવી. ત્યારબાદ મને નીચે ચીમટી જેવી પીડા થઈ અને હું ચીસ પાડવા લાગી. તેણીએ મને ચિંતા ના કરવાનું કહ્યું.
કામ થઈ ગયું હતુ.
ઘરે પાછા ફરતી વખતે મને અસ્વસ્થતા મહેસુસ થઈ અને મારી માંએ મને કહ્યું કે ચિંતા કરવા જેવુ કંઈ નથી, તને જલ્દી સારૂં થઈ જશે. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે મારે બાથરૂમ જવું હતુ અને ત્યારે મેં તેમાંથી થોડુ લોહી નીકળતુ જોયું. લોહી જોઈ મને થોડો ડર લાગ્યો. ફરી મારી માંએ મને સમજાવી કે બધુ સારૂં થઈ જશે. મેં તેણીને પૂછ્યું કે શા માટે આપણે “R” આન્ટીના ઘરે ગયા હતા અને શા માટે મારા પર આ પ્રક્રિયા કરવામાં આવી. તેણીએ જણાવ્યું કે “બધી નાની દીકરીઓ પર આ પ્રક્રિયા કરવામાં આવે છે.”
થોડા દિવસો બાદ હું આ ઘટનાને ભૂલી ગઈ.
જ્યારે હું મોટી થઈને મારી મીસાકની ઉંમરની થઈ ત્યારે મને સમજાયું કે કોઈપણ યોગ્ય કારણ વિના મારા ગુપ્ત અંગ સાથે કંઈ છેડછાડ કરવામાં આવી છે. એવુ કંઈ જે એટલુ બધુ મહત્વપૂર્ણ નહોતુ. તે વિષે મારી માં સાથે વાત કર્યા પછી, મને જાણવા મળ્યું કે પરંપરા હોવાના કારણે તેણીએ મારી સાથે આમ કર્યું. તેણીએ પણ આ પ્રક્રિયા હેઠળથી પસાર થવુ પડ્યું હતુ. તેનું કોઈ ધાર્મિક મહત્વ નહોતું.
વર્ષો વિતી ગયા અને એક દિવસ હું પણ માં બની. જ્યારે મારી દીકરી એ ઉંમરની થઈ ત્યારે મેં નિર્ણય કર્યો કે હું તેણીને આવો માનસિક ત્રાસ નહિં આપું, જેને ફક્ત પરંપરાના નામે અનુસરવામાં આવે છે અને જેનું ધાર્મિક દ્રષ્ટિએ કોઈ મહત્વ નથી. જ્યારે મેં આ નિર્ણય કર્યો ત્યારે ના તો મારી માંએ કે ના તો મારી સાસુએ તેનો વિરોધ કર્યો. મારી દીકરીને આ અગ્નિ પરિક્ષા આપવા માટે તેમણે મને દબાણ કર્યું નહોતું. સમાપ્ત કરતા પહેલાં, હું એટલુ કહેવા ઈચ્છું છું કે હા, આ પ્રક્રિયાએ મારી સેક્સ લાઈફ પર નકારાત્મક અસર કરી છે અને હું નથી ઈચ્છતી કે મારી દીકરીઓને જીવનમાં આવી કોઈ મૂશ્કેલીઓનો સામનો કરવો પડે.